રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે.
સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે. 11 વર્ષય બાળકીમાં લક્ષણ દેખાયાં હતાં. આ બાળકીની સિવિલ હોસ્પિટલના PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. જોકે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીમાં ઝાડા, ઊલટી,તાવ, માથાનો દુખાવો, ખેંચ લક્ષણો જોવા મળ્યાં હતાં.
ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકની તબિયત લથડતાં ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ આજે(22 જુલાઈ, 2024)સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે. જોકે ગોંડલનાં રાણસીકી ગામના સરપંચ દ્વારા 1 બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાંનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા બે બાળકનાં મોત થયાંનો દાવો કરવામાં આવ્યો છે. ગામના સરપંચ ઘનશ્યામ કાછડિયાએ જણાવ્યું હતું કે રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અલગ અલગ બે બાળકનાં મોત થયાં છે, જેમાં એક બાળકનાં સેમ્પલ લેવાયાં હતાં અને સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે. જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે.