ખટોદરાની વિમલા સારીઝમાંથી 71 હજારની સાડી લઇને નાણાં નહીં ચૂકવનાર કાપડ દલાલ અને સુરત આડતિયા એસોસિયેશનના પૂર્વ સેક્રેટરી અજય ઉગ્રપ્રસાદ અને ચંપારણના વેપારી સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અડાજણમાં આનંદમહલ રોડ સ્થિત શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા રજનીશ સાવલપ્રસાદ લિલ્હા ખટોદરાના સોરઠિયા કમ્પાઉન્ડમાં વિમલા સારીઝના નામે મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. તેમનો પરિચય કાપડ દલાલ અજય શ્રીરામ ઉગ્રપ્રસાદ સાથે થયા બાદ ધંધાકીય સંબંધ બંધાયા હતા. વર્ષ 2022માં અજય પશ્ચિમ ચંપારણના રામનગર ખાતે રહેતા અમિત છાપોલીયાને લઇને રજનીશની ઓફિસમાં આવ્યા હતા અને અમિત પરી એન્ટરપ્રાઇઝના નામે મોટા પાયે કાપડનો ધંધો કરતા હોવાનું અને સારી શાખ ધરાવતા હોવાનું કહ્યું હતું, જેથી રજનીશે તેમને ઉધારીમાં સાડીઓ આપી હતી, જેનું પેમેન્ટ સમયસર આપીને અમિતે વિશ્વાસ કેળવી લીધો હતો.