રાજકોટ શહેરમાં તાજેતરમાં ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવેલા 2000 કરતા વધુ દબાણોને નોટિસ પણ તાજેતરમાં આપવામાં આવી હતી. મનપા દ્વારા આ પૈકી બે નાની દેરીઓ પણ તોડી પાડવામાં આવી હતી. જો કે, હાલપૂરતી આ કામગીરીને બ્રેક મરાઈ છે. આ માટે ટાઉન પ્લાનિંગ શાખાનો સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ અપાયું છે. જોકે, અંદરખાને રાજકીય હસ્તક્ષેપને કારણે કામગીરી સ્થગિત કર્યાની ચર્ચા ઊઠી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં નાના-મોટા 2000 કરતા વધુ ધાર્મિક દબાણો છે. જેમાં મોટાભાગે શેરી, ગલી અને ટી.પી.ના પ્લોટમાં બની ગયેલી દેરીઓ અને નાના ઓટાઓ સામેલ છે. ટી.પી. શાખા દ્વારા સર્વે કરીને આ વિગતો એકઠી કરાઈ હતી, જેનો રિપોર્ટ કરાયો હતો. આ રિપોર્ટમાં ત્રણે ઝોન પૈકી ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 1000 જેટલા ધાર્મિક સ્થળના દબાણ હોવાનું જયારે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 500-500 કરતા વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ દૂર કરવા માટે કાર્યવાહી કરવાની હતી.