મહિલા સહિત બે મુસાફરે ચાલક પર હુમલો કરી રિક્ષા લૂંટી લીધી

શહેરના સાધુવાસવાણી રોડના ક્વાટર્સમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં પ્રૌઢની રિક્ષામાં ચુનારાવાડથી એક મહિલા સહિત બે મુસાફર સાત હનુમાન મંદિર સુધી બેઠા હતા, ત્યાં પહોંચ્યા બાદ બંનેએ ચોટીલા લઇ જવાનું કહી મુસાફરે ચાલક પર હુમલો કરી તેમને બેભાન કરી દીધા હતા અને ચોટીલા સુધી લઇ જઇ રિક્ષા લૂંટી લીધી હતી. સાધુવાસવાણી રોડ પરના ક્વાટર્સમાં રહેતા રિક્ષાચાલક રણજીતભાઇ રણછોડભાઇ મુલીયાણા (ઉ.વ.63)ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, રણજીતભાઇએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે ભાડું લઇને દૂધસાગર રોડ પર ડેરી નજીક ગયો હતો અને ત્યાં મુસાફરોને ઉતારી પરત ફરી રહ્યા હતા ત્યારે ચુનારાવાડ ચોકમાં એક મહિલા અને એક પુરૂષે રિક્ષા ઉભી રખાવી હતી અને સાત હનુમાન મંદિર સુધીનું ભાડું બાંધ્યું હતું. સાત હનુમાન મંદિરે રિક્ષા પહોંચતા જ બંને રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા અને તુર્ત જ રિક્ષામાં બેસી ગયા હતા અને ચોટીલા રિક્ષા લઇ લેવાનું કહ્યું હતું.

ચાલક રણજીતભાઇએ ચોટીલા જવાની ના કહેતા પુરૂષ મુસાફરે માથામાં કંઇક ફટકારી દીધું હતું, અચાનક જ હુમલો થતાં રણજીતભાઇ અર્ધબેભાન જેવા થઇ જતાં તેમને રિક્ષામાં પાછળ સુવડાવી દીધા હતા અને હુમલાખોરે રિક્ષા ચલાવી લીધી હતી, ચોટીલા રિક્ષા લઇ ગયા બાદ ત્યાં ફરીથી રણજીતભાઇને મારકૂટ કરી રિક્ષામાંથી રણજીતભાઇને નીચે ઉતારી નાખી મહિલા સહિત બંને રિક્ષા લૂંટીને નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા રણજીતભાઇ લિફ્ટ લઇ ટેમ્પમાં ગ્રીનલેન્ડ ચોકડી સુધી આવ્યા હતા અને ત્યાંથી પોતાના ઘરે પહોંચ્યા હતા, બનાવ અંગે થોરાળા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *