ગુજરાત હાઉસિંગ બોર્ડ વસંત બહાર એપાર્ટમેન્ટ પાસે રહેતા હિરલ યોગેશભાઈ શાહ (ઉ.વ.40) નામના વેપારીએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ નાથાલાલ મકવાણાનું નામ આપ્યું. ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, સાત માસ પૂર્વે તેમણે માતા-પિતા અને બાળકોને લેવા મુકવા માટે તેમજ ઘરના કામકાજ માટે ડ્રાઇવર તરીકે આરોપી વિનોદ મકવાણાને નોકરી પર રાખ્યા હતા. ગત તા. 25ના રોજ હિરલભાઈએ જુના સોનાના દાગીના જેમાં એક લકી, એક વીંટી, એક ચેઈન સહિત કુલ 50 ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા છે તે નાના પાકીટમાં કબાટમાં રાખ્યા હતા. બાદમાં તારીખ 8 જુલાઈ 2024ના કબાટમાં રાખેલ સોનાના દાગીના ચેક કરતા પાકીટ ખાલી જોવા મળ્યું હતું જેથી આ બાબતે પરિવારજનોને પૂછતા તેઓ આ બાબતે જાણતા ન હોવાનું કહ્યું હતું. આ દિવસે ડ્રાઇવર પણ કામે આવ્યો ન હોય જેથી તેને ફોન કર્યો હતો. બીજા દિવસે ડ્રાઈવર કામ આવતા તેને બેસાડી આ બાબતે પૂછતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, મેં દાગીનાની ચોરી કરી છે અને તે મેં વેચી નાખ્યા છે. બાદમાં આરોપીએ કહ્યું હતું કે, હું તમને કાલે પૈસા આપી દઈશ તેમ કહી તે ઘરેથી જતો રહ્યો હતો. પરંતુ આજદિન સુધી તેણે દાગીના કે પૈસા આપ્યા ન હોય જેથી રૂપિયા 3 લાખના દાગીના ચોરી કર્યા અંગે વેપારીએ ડ્રાઇવર વિનોદ મકવાણા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.