શહેરમાં કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં બસંત બહાર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓઇલ ડેપોની એજન્સી ચલાવતા વેપારીના મકાનમાં કબાટમાંથી રૂ.ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતા તેને તપાસ કરતા તેના ડ્રાઇવરે ચોરી કરી વેચી નાખ્યા હોવાનું અને તેમને પૈસા આપી દઇશ કહી નાસી ગયાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.કાલાવડ રોડ હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને હરિહર ચોકમાં ઓઇલ કંપનીની એજન્સી રાખી ધંધો કરતા હિરલભાઇ યોગેશભાઇ શાહએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના ડ્રાઇવર વિનોદ નાથાલાલ મકવાણાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના બાળકોને સ્કૂલમાંથી લેવા મૂકવા માટે તેની કારમાં ડ્રાઇવર તરીકે વિનોદ મકવાણા છેલ્લા સાત આઠ વર્ષથી નોકરી કરતો હોય તા.25ના રોજ તેના ઘેર કબાટમાં જૂના સોનાના દાગીના પાકીટમાં રાખ્યા હતા જેની કિંમત ત્રણ લાખ જેટલી થતી હોય બાદમાં તા.8ના રોજ કબાટમાં તપાસ કરતા પાકીટમાંથી દાગીના ગાયબ હોય જે અંગે પરિવાર સાથે વાતચીત બાદ મકાનમાં શોધખોળ કરી હતી, પરંતુ દાગીના મળ્યા નહીં અને ડ્રાઇવર પણ આવ્યો ન હોય જેથી તેને ફોન કરતાં બીજે દિવસે ઘેર આવ્યો હતો જેથી તેને સમજાવી પૂછતા તેને કહ્યું કે, હા મેં તમારા સોનાના દાગીનાની ચોરી કરી છે અને વેચી નાખ્યા છે અને કાલે તમને પૈસા આપી દઇશ એમ કહી ઘેરથી જતો રહ્યા બાદ પરત નહીં આવતા અને ફોન પણ બંધ કરી દીધો હોવાનું જણાવતા પીએસઆઇ ગજેરા સહિતે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ગરચર સહિતના સ્ટાફે આજી ડેમ ચોકડી પાસે રામનગરમાં રહેતો વિનોદ મકવાણાને ઝડપી લઇ તેની પાસેથી દાગીના કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.