રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મનપા સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. આથી આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. શહેરની એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. રાજકોટ હોટલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે RMCના અધિકારી રૂ. 5 લાખની ખંડણી મગતા હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે, આજે 10 જુલાઈના રોજ રાજકોટમાં એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. આજે બંધ રાખવાનું કારણ એ છે કે, જે નાનાં યુનિટ છે ત્યાં આગ લાગવાની કોઈ શક્યતા નથી. 50 બાય 50 ફૂટનું રેસ્ટોરન્ટ હોય કે પાર્ટી પ્લોટ હોય તેમાં અત્યારસુધીમાં ગુજરાતભરમાં આગ લાગવાનો એક પણ બનાવ બન્યો નથી. અત્યારે જ ફાયર એનઓસી અને BU પરમિશન માગવામાં આવે છે. જેથી અધિકારીઓ પોતાનું કામ દેખાડવા આવ્યા છે કે પ્રામાણિકતા બતાવે છે તે ખબર પડતી નથી. અત્યારસુધીમાં 600 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે.