ઘંટેશ્વરમાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા

રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારના લોકોને વિવિધ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5 વર્ષ કરતા પણ વધુ સમય થયા છતાં આવા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાની ફરિયાદો સમયાંતરે સામે આવતી હોય છે. ત્યારે હવે ઘંટેશ્વર 25 વારીયા 1600 લાઈનમાં ડ્રેનેજ ચોકઅપ થવાની ફરિયાદો ઉઠી છે. આ કારણે મામૂલી વરસાદે ગટરનાં પાણી ઘરમાં ઘૂસી જતા હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણી રસ્તા પર આવતા રોગચાળો પણ વકરી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા મહિલાઓ રણચંડી બની હતી અને આજે ‘હમારી માંગે પૂરી કરો’નાં નારા સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર કર્નલ બંગલોની પાછળનાં ઘંટેશ્વર 25 વારિયા 1600 લાઈન વિસ્તારને જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા છે. આ અંગે લેખિત, મૌખિક, રૂબરૂ ઉપરાંત ઓનલાઈન રજૂઆતો કરવા છતાં સમસ્યા હલ થતી જ નથી. ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ થોડા દિવસોમાં કમ્પલેન સોલ્વનો મેસેજ આવી જાય છે, પણ કામ થતું નથી. અધિકારીઓને રજૂઆતો કર્યા બાદ જોવા તો આવે છે પણ સમસ્યા ઉકેલાતી નથી. જેને લઈને આજે સ્થાનિકોએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *