સરકાર દ્વારા MBBSના અભ્યાસક્રમમાં કરેલા અસહ્ય ફી વધારા સામે વિદ્યાર્થી સંગઠન NSUIએ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી ગરીબો અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને આ ફી વધારો અટકાવવા રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારી સીટ વધારવાને બદલે મેડિકલની ફીમાં વધારો કર્યો છે.
એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, GMERS કોલેજમાં થયેલ અસહ્ય વધારાને કારણે મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્નમેન્ટ ક્વોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખ હતી તે વધારીને 17 લાખ રૂ. કરી છે. જે મધ્યમવર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે. એક તો આ વર્ષ દરમિયાન NEETની પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઊચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે. આજના સમય પ્રમાણે ડોક્ટરીની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમવર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે. ગરીબો અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકે તે માટે આ તોતિંગ ફી વધારો રદ કરવા અને ગયા વર્ષ જેટલી જ ફી રાખવા માગણી કરી છે.