રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈ-વે પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની મળેલ બાતમી પરથી ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચમાં રહી એક કાળા કલરની સ્કોર્પીયો કાર ઉભી રહેતા તેમાં એક અન્ય શખ્સ કારમાં બેઠો હતો ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બંને શખસોને ઝડપી તેનું નામ પૂછતા સ્કોર્પિયો ચાલકે પોતાનું નામ ઉતમારામ જગનારામ પુરોહિત (ઉ.વ.29) અને તેની સાથેના શખ્સે પોતાનું નામ ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશ ચાવ (ઉ.વ.37) જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1044 બોટલ મળી આવતા બંને શખસોની ધરપકડ કરી દારૂ, કાર અને બે મોબાઈલ મળી રૂ.11.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દારૂનો જથ્થો રાજકોટનો કુખ્યાત બુટલેગર હર્ષદ માણેકલાલ માંડલીયા (મહાજન)એ ધ્રાંગધ્રાના રવિ જગદીશ ચૌહાણ પાસેથી મંગાવ્યો હતો. ધ્રાંગધ્રાના બુટલેગર રવિએ પોતાની સ્કોર્પીયો કારમાં દારૂ ભરી સાગ્રીત ઉતમારામને રાજકોટ મોકલ્યો હતો. તે ક્રિષ્ના વોટર પાર્ક પાસે પહોંચતા હર્ષદ મહાજનનો સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો દારૂનો જથ્થો રીસીવ કરવા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ચંદ્રેશ ઉર્ફે કાળીયા વિરુદ્ધ રાજકોટ સહિત વાંકાનેર-બાબરા પોલીસ મથકમાં દારૂના 11 જેટલા ગુન્હા નોંધાયેલ છે તેમજ હર્ષદ મહાજન પણ સૌરાષ્ટ્રનો લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું છે.