રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવા તંત્ર દોડી રહ્યું છે. સરકારી મિલકતો સાચવવાની જેની જવાબદારી છે તે માર્ગ અને મકાન વિભાગને આરોગ્ય વિભાગે પત્ર લખીને સ્વચ્છતા રાખવા તેમજ એન્ટિલારવા એક્ટિવિટી માટે જણાવ્યું હતું. અન્ય સરકારી કચેરી કે મિલકતો તો દૂર રાજકોટમાં માર્ગ અને મકાન વિભાગની જ કચેરી ગંદકીથી ખદબદી રહી છે. મનપાની આરોગ્ય શાખા સ્થળ પર જતા મચ્છરોનું બ્રીડિંગ જણાતા કચેરીને નોટિસ ફટકારી છે.
આરોગ્ય કમિશનરે આપેલા સૂચનનું મુખ્ય કચેરીમાં જ પાલન ન થતું હોવાનું બહાર આવતા જ મનપાની આરોગ્ય શાખાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમની સ્થળ તપાસમાં કેમ્પસમાં ભારે ગંદકી જોવા મળી હતી. જ્યારે કચેરીની છત પર સ્ટાફ પહોંચ્યો તો ત્યાં જોવા મળ્યું હતું કે, પાણીનો ટાંકો તૂટેલો છે તેમજ અન્ય ભંગાર પણ પડ્યો હોવાથી તેમાં પાણી જમા થયું છે અને તેમાં મચ્છરોનું બ્રીડિંગ થઈ રહ્યું છે.