શાપરમાં કર્મચારીએ ફેક્ટરીમાં આગ લગાવી

શાપરમાં આવેલી એક ફેક્ટરીમાં સોમવારે સવારે આગ ભભૂકી ઊઠી હતી. કારખાના માલિકે તપાસ કરતાં ફેક્ટરીનો જ એક કર્મચારી શંકાના દાયરામાં આવ્યો હતો અને તેને રેલવે સ્ટેશનથી ઝડપી લઇ પોલીસ હવાલે કરતાં તે શખ્સે જ આગ લગાડ્યાનું ખુલ્યું હતું. શાપરમાં ઢોલરા રોડ પર આવેલી મંગલ આર્યન પ્રા.લિ. નામની કાસ્ટિંગની ફેક્ટરીમાં સોમવારે સવારે છ વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી. આ અંગેની જાણ થતાં ફેક્ટરી માલિક રાજકોટમાં રહેતા હાર્દિક જયંતીભાઇ ઠુમ્મર અને તેના ભાગીદાર રૂત્વિજ ઠુમ્મર રાજકોટથી શાપર દોડી ગયા હતા. આગ ફેક્ટરીના સ્ટોર રૂમમાં લાગી હતી આગ કોણે લગાડી તે જાણવા ફેક્ટરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને એકઠા કરવામાં આવ્યા હતા તો ફેક્ટરીનો કર્મચારી પશ્ચિમ બંગાળનો વતની પ્રદીપ નાગેન્દ્ર પ્રધાન ગાયબ હતો.

તે વતન જવા રાજકોટ રેલવે સ્ટેશને ગયાની માહિતી મળતાં જ ફેક્ટરી માલિક હાર્દિક ઠુમ્મર સહિતનાઓ રાજકોટ રેલવે સ્ટેશને દોડી ગયા હતા અને ત્યાંથી પ્રદીપ પ્રધાનને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતાં પ્રદીપ પ્રધાને કેફિયત આપી હતી કે, સ્ટોર રૂમમાં દીવાસળીથી પ્લાસ્ટિકની બોરીમાં આગ લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *