રેલનગરમાં પિતાના ઘરે ચાર મહિનાથી રહેતી વૃતિ દવેએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ પ્રિયેશ નરેન્દ્ર દવે, સાસુ આશા નરેન્દ્ર દવે અને નણંદ રિદ્ધિ કેવલ મહેતાના નામ આપ્યા હતા. વૃતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન પ્રિયેશ સાથે 2022માં થયા હતા. પતિ ડ્રાઇવિંગ કરતો હતો. પ્રિયેશ પર દેણું થઇ ગયાનું જાણવા મળતાં વૃતિએ દેણું થવાનું કારણ પૂછ્યું હતું, પરંતુ તે કોઇ જવાબ આપતો નહોતો. પતિ ખરાબ રસ્તે ચડી ગયો હોવાથી દેણું થયાનું જાણવા મળતાં આ બાબતે વૃતિએ વાત કરતા તેની સાથે ઝઘડો કરતો હતો. વૃતિ બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી અને તેનો પગાર પણ પતિ અને સાસુ ખર્ચ કરી જતાં હતા. પ્રિયેશે કાર ખરીદ કરવા માટે વૃતિના પિતા પાસેથી રૂ.11 લાખ લીધા હતા તે રકમ પરત કરી નહોતી અને વધુ રકમની માંગ કરતો હતો. સાસુ અને નણંદ પણ હેરાન કરતા હતા. આઠ મહિના અલગ રહેવા ગયા ત્યારે લેણદારોની ઉઘરાણી વધતાં પતિ પ્રિયેશ 3 માર્ચના પત્ની વૃતિને ઘરે એકલો મૂકીને ભાગી ગયો હતો. સાસરિયાં તેને તેડવા ગયા નહોતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.