કોઠારિયામાં સરકારી જમીન વેચવાનું કૌભાંડ, ભૂમાફિયાઓની શોધખોળ

રાજકોટના કોઠારિયા રોડ પર સરદાર ગૌ શાળા પાછળ ઓમ રેસિડેન્સિ પાછળ સર્વે નં.352ની સરકારી જમીનમાં દબાણ અંગે નોટિસ આપવા ગયેલી તાલુકા મામલતદાર કચેરીની ટીમની તપાસમાં સરકારી જમીન વેચવાના ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો અને ભૂમાફિયાઓએ 100-100 વારના 50 થી વધુ પ્લોટ રૂ.70 થી 80 હજાર પરપ્રાંતીયોને વેચી માર્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર કોઠારિયા સર્વે નં.352ની સરદાર ગૌ શાળા પાછળ, ઓમ રેસિડેન્સિ પાસે આવેલી સરકારી જમીનમાં 40 જેટલાં મકાનો ઊભા થઇ ગયાનું અને 10 જેટલા પ્લોટની આંટ વાળી મકાનો બનાવવા તૈયારી ચાલતી હોવાની હકીકત ધ્યાનમાં આવતા નોટિસ આપવા કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યાં મકાનો ખાલી કરવા નોટિસ આપવા ગયા ત્યારે પરપ્રાંતીય રહીશોએ રૂ.70 થી 80 હજારમાં 100-100 વારના પ્લોટ લીધાનું જણાવ્યું હતું. આ પ્લોટ કોની પાસેથી લીધા હતા, સરકારી જમીન વેચવાનું નેટવર્ક કોણ ચલાવે છે તે ભૂમાફિયાઓને શોધવા કવાયત ચાલુ છે. 2 તારીખ સુધીમાં દબાણ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે અને જમીન ખરીદનારાને સોમવારે નિવેદન માટે કચેરીએ બોલાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *