શહેરમાં કોઠારિયા રોડ પર વિનોદનગરમાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા પત્ની ઘર છોડી જતી રહેતા વિયોગમાં યુવકે પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિનોદનગરમાં રહેતાે મયૂર ચંદુભાઇ દાવડા (ઉ.32)એ સોમવારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા જમાદાર બાલાસરા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક સબમર્શિબલ પમ્પનું કામ કરતો હતો અને તેના પિતા હયાત ન હોવાનું તેમજ એક બહેનથી નાનો હોવાનું અને વિધવા માતાના આધારસ્થંભ હતો. અને તેને શીતલ નામની યુવતી સાથે દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા અને ત્રણ માસથી તેની પત્ની ઘેરથી કીધા વગર નીકળી ગયા બાદ પરત નહીં આવતા તેની સતત શોધખોળ કરવા છતાં પત્તો નહીં મળતા મયૂર ચિંતામાં રહેતો હોવાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.