રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે તાત્કાલિક SITની રચના કરી દેવામાં આવી હતી. તેમજ જલ્દીમાં જલ્દી દોષિતોને સજા અપાવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે સંવેદનશીલ ગણાતી સરકાર હજુ પણ આ અગ્નિકાંડના 18 દિવસે પણ નક્કર કાર્યવાહી કરી શકી નથી. આ તપાસ વચ્ચે એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે પણ સરકારી ભાષામાં જ તપાસ ચાલુ છે અને દોષિતોને સજા જરૂર થશેનું રટણ ચાલુ રાખ્યું હતું.
સુભાષ ત્રિવેદીએસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ મુદ્દા પર તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. આ સાથે ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમજ ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઇ છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
રાજકોટ આવેલા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દુઃખદ ઘટના બની જે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ બનાવથી સરકાર ચિંતિત છે. આ વિસ્તરેલી તપાસ છે, જેમાં અલગ-અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આ તપાસ ઊંડાણ પૂર્વક કરવી પડે કારણ કે, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો જ દોષિત દંડાય અને નિર્દોષ માણસ આનો ભોગ ન બને. કાળજી પૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઘટનામાં દોષિતને સજા મળે એ જરૂરી છે