રાજકોટનાં બામણબોરમાં છેલ્લા 6 વર્ષથી મોટા પાયે ખનીજ ચોરી થતી હોવા છતાં કલેકટર પ્રભવ જોષી ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, બામણબોરમાં ખુલ્લેઆમ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગને 2 દિવસ પહેલાં રજૂઆત કરી તો આશ્ચર્યજનક જવાબ મળ્યો કે જ્યારે ખનીજ ચોરી થતી હોય ત્યારે તમે જાણ કરજો એટલે કહી શકાય કે, ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ બામણબોરમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે વર્ષ 2018થી અત્યાર સુધીના વર્ષ મુજબ ગૂગલ મેપ મેળવી તપાસ કરવામાં આવે અને બેજવાબદાર મામલતદાર કે સર્કલ તલાટી સામે કડક કાર્યવાહી, પોલીસ ફરીયાદ દાખલ કરી કાયદેસરના પગલા ભરવામાં આવે.
રજૂઆત પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટના બામણબોરમાં આવેલી સરકારી ખરાબાઓ, વીડીઓ તેમજ માયનોર ફોરેસ્ટ સહિતના વિસ્તારોમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનીજ સંપતિની ચોરી કરવામાં આવી અને રાજયનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સુતું રહ્યું અને આવડી મોટી ખનીજ ચોરીથી ઈરાદાપૂર્વક અજાણ રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે નીચેના પ્રશ્નો બાબતે પગલાંઓ ભરવા અમારી રજૂઆત છે.