રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગનુકાંડમાં ઝડપાયેલા વધુ ચાર આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગેમઝોનના 3 સંચાલક અને 1 મેનેજર સહિત કુલ 4 આરોપીઓના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરી બાદમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે આજે પૂરા થતા જેલહવાલે કરવા કોર્ટે હુકમ કર્યો છે.
રાજકોટના TRP ગેમઝોનમાં ગત તારીખ 25.05.2024ના રોજ થયેલ અગ્નિકાંડ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સંચાલક યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, મેનેજર નીતિન જૈન અને સંચાલક ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને આજે તેમના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા ચારેય આરોપીઓને આજ રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.