રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટાં વમળો સર્જાયાં છે. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાયો. સામાન્ય રીતે મારું વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી. હવે પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોને લાગણી દુભાઇ હતી અને તે વખતે પણ મેં માફી માંગી હતી. આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું.