રાજકોટમાં 750 સહિત રાજ્યભરમાં 17,000 સસ્તા અનાજના દુકાનદારો છે. જ્યાં સસ્તા અનાજનો અધૂરો અને અનિયમિત જથ્થો પહોચાડવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારોએ રાજ્યના પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. નાગરિક પુરવઠા નિગમમાં એમડી કાયમીને બદલે ચાર્જમાં છે. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. તહેવારો તેમજ લોકસભાની ચૂંટણી વખતે જ પુરવઠાનો પૂરતો જથ્થો ન ફાળવવામાં આવતા સરકાર સામેનો રોસ વધી જાય છે. ત્યારે જો ઉપરોક્ત તમામ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ચૂંટણી બાદ સરકાર સામે આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પૂરવઠા નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર વડી કચેરીએ ગયા છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત રજૂઆત કરતા જણાવ્યુ હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો આપવાનું કાર્ય ગુજરાતના લગભગ 17,000 સસ્તા અનાજના દુકાનદારો બેખૂબીથી નિભાવી રહ્યા છે. આ દુકાનદારોને દુકાન ચલાવતા પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેમના વ્યાજબી પ્રશ્નો અને માગણીઓને સરકારમાં વાચા આપવા માટેનું કાર્ય ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન (કે જે ટ્રેડ યુનિયન એક્ટ 1926 તારીખ 12-10-2019ના રોજ રજીસ્ટ્રેશન નંબર જી 6652થી નોંધાયેલ છે) કરી રહ્યું છે. પરંતુ અનેક રજૂઆતો છતાં દુકાનદારોની સ્થિતિ આજે પણ દયનીય છે.