રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ થનાર છે. આવનાર 28મી તારીખ ને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે.
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. વહીવટી મંજૂરી મેળવી આવનાર 28મી એપ્રિલે, રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે. સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થશે.