રાજકોટ ફાયર વિભાગે સેફ્ટીની તાલીમ ન લેનાર માટે ફરજીયાત નિયમ બનાવ્યો

રાજકોટ મનપાનાં ફાયર વિભાગ દ્વારા ઠેર-ઠેર મોકડ્રિલ યોજી લોકોને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, પોતાનો અને બીજાનો જીવ કઈ રીતે બચાવવો તેની તાલીમ આપવામાં આવી રહી છે. જોકે આ બાબતે લોકો ઉદાસીન હોવાથી ગઈકાલે ફાયર વિભાગ દ્વારા આ તાલીમ ફરજીયાત લેવાનું જાહેર કર્યું હતું. તેમજ તાલીમ નહીં લેનારને બિલ્ડીંગમાં કોઈપણ દુર્ઘટના માટે તેઓ જવાબદાર રહેશે તેવી નોટિસ આપવામાં આવનાર હોવાનું જાહેર કરાયું હતું. જોકે આ નિયમનો ઉલાળીયો થયો હોય તેમ સત્યમ રીવર વ્યુ વિંગ એપાર્ટમેન્ટમાં યોજાયેલી તાલીમ દરમિયાન માત્ર 8-10 લોકો હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચીફ ફાયર ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, જો કોઈ એપાર્ટમેન્ટના લોકો તાલીમ યોજવા ઈન્કાર કરે તો નોટિસ અપાશે.

મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા સત્યમ રીવર વ્યુ વિંગ–A અને H સત્યમ પાર્ક, 80 ફુટ રોડ, સોરઠીયાવાડી ખાતે ફાયર સેફટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 8-10 રહેવાસી જોડાયા હતા. આ તાલીમ દરમિયાન ફાયર વિભાગની ટીમે બિલ્ડીંગમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તેમજ ફાયર એક્સ્ટીગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઈ રીતે પોતાનો તેમજ અન્યનો બચાવ કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *