સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિપ્રદર્શન

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો એક તરફ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનાં છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિપ્રદર્શન થવા જઈ રહ્યું છે. આવતીકાલે 14 એપ્રિલને રવિવારે સાંજે રાજકોટથી 14 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. રતનપર મંદિર સામેના 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. એ માટે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા તેમજ રાજ્યના અલગ-અલગ સ્ટેટના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.

મહાસંમેલનને લઈ વધુમાં પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું છે એના વિરોધમાં આવતીકાલે 14 એપ્રિલે રાજકોટના રતનપર મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે, જેમાં 2થી 5 લાખ લોકો ઉપસ્થિત રહે એવી ધારણા છે. આ ઉપરાંત અહીં 15 જેટલા લોકોને સ્ટેજ ઉપરથી સ્પીચ આપવાની પરવાનગી આપવામાં આવશે. આ સંમેલન માટે મંજૂરી મળી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સાથે જ તેમણે કહ્યું હતું કે આ સંમેલનમાં રાજ શેખાવત ઉપરાંત મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગામેગામ અને તાલુકા તેમજ શહેરમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઊમટી પડશે. એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *