રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં આ વખતે 30મી માર્ચે એક સાથે 2 પરીક્ષા છે. ધોરણ 5માં ભણતા 27, 289 વિદ્યાર્થીઓ ધોરણ 6થી 12 સુધી શિષ્યવૃતિ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. જ્યારે ધોરણ 8માં ભણતા 22,109 વિદ્યાર્થી, ધોરણ 9થી 12માં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા આપશે. બંને પરીક્ષા MCQ આધારિત હશે અને તેમાં 120 માર્ક્સનું પેપર લખવા માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં ભણતા ધો. 5ના વિદ્યાર્થીઓને ધો.6થી 12 સ્કોલરશીપ મળી રહે તે માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. જે 2 ઝોનમાં રાખવામાં આવી છે. જેમાં 112 પરીક્ષા કેન્દ્રો પરથી 27,289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તા. 30 માર્ચના સવારે 10.30થી 1 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. જેમાં મિનિટમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આ પરીક્ષા રાજકોટ સહિત રાજ્યભરમાં લેવામાં આવશે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ દરેક માટે અલગ અલગ પ્રકારની સ્કોલરશીપ નક્કી કરવામાં આવી છે.
જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષા પણ 30 માર્ચે જ ગોઠવવામાં આવી છે. જેમાં પણ 2 ઝોન રાખવામાં આવ્યા છે. જેમાં 105 પરીક્ષા કેન્દ્રો પરથી 22,109 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમા ભણેલાં વિદ્યાર્થીઓ ઉપરાંત ખાનગી શાળાઓમાં RTE હેઠળ સળંગ ધો. 1થી 8 ભણેલાં હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓને ધો. 9થી 12 સુધી શિષ્યવૃત્તિનો લાભ મળશે. જે પરીક્ષાનો સમય બપોરે 3થી 5.30 વાગ્યા સુધીનો છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષામાં 120 માર્કસનું પેપર હશે. જે માટે 150 મિનિટ આપવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાની 240 સીટ છે અને મેરીટમાં આવતાં વિદ્યાર્થીને 48,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.