3 મહિનાનો દીકરો લઈને મિટિંગમાં પહોંચ્યા મંત્રી

સ્વીડનના જળવાયુ મંત્રી રોમિના પોરમોખ્તારી તેમના ત્રણ મહિનાના પુત્ર એડમને લઈને યુરોપિયન યુનિયન (EU)ના જળવાયુ મંત્રીઓની બેઠકમાં પહોંચ્યા. ગુરુવારે લક્ઝમબર્ગમાં યોજાયેલી આ બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં રોમિના પોતાના પુત્રને ખોળામાં લઈને મીટિંગમાં ભાગ લેતી અને ભાષણ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે બાળકને શાંત પણ કરાવતી રહી,

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સ્વીડનના મંત્રીના આ પગલાની પ્રશંસા કરી છે. લોકોએ તેને કાર્યકારી મહિલાઓ માટે પ્રેરણાદાયક ગણાવ્યું. તેમનું કહેવું છે કે માતા બન્યા પછી પણ મહિલાઓ પરિવાર અને કારકિર્દી બંનેની જવાબદારીઓ એકસાથે નિભાવી શકે છે.

બેઠક પહેલા પત્રકારો સાથે વાતચીતમાં રોમિના પોરમોખ્તારીએ કહ્યું કે તેઓ આ જ સંદેશ આપવા માંગે છે કે માતા બન્યા પછી પણ મહિલાઓ સાર્વજનિક જીવન અને નોકરીમાં સક્રિય રહી શકે છે. તેમણે કહ્યું કે યુરોપમાં પરિવારના હિતમાં બનાવવામાં આવેલી નીતિઓ માતા-પિતાને બાળકોની સંભાળ અને કામ વચ્ચે વધુ સારું સંતુલન બનાવવામાં મદદ કરે છે.

રોમિનાએ પોતાના પાર્ટનરનો ઉલ્લેખ કરતા કહ્યું, “ફક્ત સરકારની નીતિઓ જ પૂરતી નથી હોતી. આ માટે એવો સાથી પણ હોવો જોઈએ, જે જૂના વિચારોવાળો ન હોય, પરંતુ આધુનિક વિચારસરણી ધરાવતો હોય અને જવાબદારી નિભાવવા તૈયાર હોય.”

તેમણે કહ્યું કે હવે સ્વીડનમાં પિતાનું બાળકની સંભાળ માટે ઘરે રહેવું પહેલા જેટલું અસામાન્ય કે વિવાદાસ્પદ માનવામાં આવતું નથી. આ બદલાવ દેશની પારિવારિક નીતિઓ અને સમાજની બદલાતી વિચારસરણીનું પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *