રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એવિએશન ફ્યુઅલના ભાવવધારાને કારણે છેલ્લા 3 મહિનાથી સ્થગિત કરાયેલી એર ઇન્ડિયાની સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ફ્લાઇટ આગામી 1 સપ્ટેમ્બરથી પુનઃ શરૂ થવા જઈ રહી છે. આગામી જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી તેમજ નૂતન વર્ષના તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા રાજકોટથી વધુ 2 વધારાની ફ્લાઇટ્સનું નવું શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
એરલાઇન્સ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, 1 સપ્ટેમ્બરથી એર ઇન્ડિયાની સવારે 10:00 વાગ્યે દિલ્હી અને સાંજે 6:00 વાગ્યે રાજકોટ-મુંબઈ ફ્લાઇટનું નિયમિત ઉડ્ડયન શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારોની રજાઓ દરમિયાન હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ રાજકોટથી દેશના 2 મુખ્ય મેટ્રો શહેરો દિલ્હી અને મુંબઈ વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટીનો વ્યાપ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હાલના તબક્કે રાજકોટ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની માત્ર 2 ડેઇલી ફ્લાઇટ્સ કાર્યરત છે, જેમાં સવારે મુંબઈ અને સાંજે દિલ્હી માટેની સેવા ઉપલબ્ધ છે. જોકે, 1 સપ્ટેમ્બરથી સવારે દિલ્હી-મુંબઈની 1-1 અને સાંજે દિલ્હી-મુંબઈની 1-1 મળીને કુલ 4 ડેઇલી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઈ જશે. આ વિસ્તરણથી દેશ-વિદેશમાં પ્રવાસ કરતા મુસાફરોને ઉત્તમ હવાઈ સેવા મળશે. ખાસ કરીને વિદેશ પ્રવાસે જતા સૌરાષ્ટ્રના મુસાફરો હવે અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થયા વિના રાજકોટ એરપોર્ટ પરથી જ દિલ્હી અને મુંબઈ મારફતે સરળતાથી ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટ્સ મેળવી શકશે.