રક્ષાબંધનના દિવસે મહિલાઓને સિટી બસ, BRTSમાં ફ્રીમાં મુસાફરી

રાજકોટ કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને લઈ 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ શહેરની મહિલાઓ માટે તમામ સિટી તેમજ BRTS બસમાં સંપૂર્ણ નિઃશુલ્ક મુસાફરીની ભેટ જાહેર કરવામાં આવી છે. આ દિવસે મહિલાઓ દિવસ દરમિયાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. જો કે પુરુષ મુસાફરોએ રાબેતા મુજબ નિયત દરની ટિકિટ લેવાની રહેશે. મનપા દ્વારા તહેવારની શુભેચ્છાઓ પાઠવવાની સાથે તમામ મહિલાઓને સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષની પરંપરા જાળવી રાખવા લેવાયેલા આ નિર્ણયથી આ પાવન પર્વ બહેનોને સિટી અને BRTS બસમાં મુસાફરી માટે કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં.

બહેનો સરળતાથી ભાઈના ઘરે પહોંચી શકે તે માટે નિર્ણય ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન અથવા બળેવના પવિત્ર તહેવારનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્ત્વ રહેલું છે. ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક સમાન આ તહેવારે બહેનો પોતાના ભાઈના ઘરે જઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ તરફથી બહેનને ભેટ આપવામાં આવે છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વસતી બહેનો અને મહિલાઓ પોતાના ભાઈના ઘરે સરળતાથી અને સુગમતાથી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે આ દિવસે ફ્રી મુસાફરી જાહેર કરવામાં આવી છે.

મહિલાઓ ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે મહાનગરપાલિકા હસ્તકની રાજકોટ રાજપથ લિમિટેડ કંપની દ્વારા શહેરમાં પરિવહન સેવાઓનું સંચાલન કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારથી જ શહેરના તમામ BRTS રૂટ અને તમામ સિટીબસ રૂટ પર મહિલાઓ માટે વિનામૂલ્યે મુસાફરીની સુવિધા ઉપલબ્ધ રહેશે. મહિલાઓ દિવસ દરમિયાન કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત સંપૂર્ણપણે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવવામાં મહિલાઓ પર કોઈ મર્યાદા કે નિયંત્રણ રહેશે નહીં. જોકે, પુરુષ મુસાફરો માટે નિયમ મુજબ જ નિયત દરની ટિકિટ ખરીદીને મુસાફરી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે નાગરિકોને અને ખાસ કરીને તમામ બહેનો-મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી આ અનોખી ભેટનો શહેરની તમામ મહિલાઓ મહત્તમ લાભ લે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી તહેવારના દિવસે શહેરી માર્ગો પર વાહનવ્યવહાર સરળ બનશે અને મહિલાઓને આર્થિક તેમજ વ્યવહારિક રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *