રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં રૂ. 45.76 કરોડના ખર્ચે માધાપર સહિતના વિસ્તારોમાં નવા ડામર રોડ અને રી-કાર્પેટની કામગીરી દિવાળી બાદ શરૂ થશે. આ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ટેન્ડર મંજુર થયા બાદ દિવાળી પછી જૂના રાજકોટના રસ્તાઓની કયાપલટ થશે. જેને લઈ પાણી – ડ્રેનેજની લાઈનોના કારણે થયેલા ખોદકામથી પરેશાન લોકોને મોટી રાહત મળશે. સાથે જ 150 ફૂટ રીંગ રોડ-2 પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કટારીયા ચોકડી સુધીનો 8.79 કિલોમીટર લાંબો ફોરટ્રેક રોડ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થવાથી હજારો વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા કાયમ માટે હલ થઈ જશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોનના 6 વોર્ડમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17 માં માધાપર સહિતના રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને રાજમાર્ગોની કાયાપલટ કરવામાં આવશે. દિવાળી બાદ સેન્ટ્રલ ઝોનનાં વિસ્તારોમાં રી-કાર્પેટ અને ડિઝાઇન રોડ બનાવવાની કામગીરી શરૂ થશે. મધ્ય રાજકોટમાં પાણીની ડી.આઈ. પાઇપલાઇન અને ડ્રેનેજ માટે મોટા પ્રમાણમાં થયેલા ખોદકામના કારણે રસ્તાઓની હાલત બગડી હતી, જેના લીધે લોકોને ધૂળ અને ટ્રાફિકની હાલાકી વેઠવી પડતી હતી. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા નવા પેવર અને ડામર કામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેથી દિવાળી બાદ નાગરિકોને મોટી રાહત મળશે.