રાજકોટ મહાપાલિકા દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને તારીખ 6 નવેમ્બરથી દિપાવલી પર્વ સુધી ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે સૌપ્રથમ રેસકોર્સ મેદાનની અંદર બેન્ડની સંગીતમય સુરાવલી સાથે ફૂડ સ્ટ્રીટ પણ યોજવામાં આવનાર છે. જ્યારે ધનતેરસનાં દિવસે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં આતશબાજી પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષની જેમ રેસકોર્સ રીંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવે એવી પણ શક્યતા છે.
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પિપળાયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ દિપાવલી પર્વ રંગેચંગે ઉજવી શકે તે માટે દિવાળી કાર્નિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે ખર્ચ ઘટાડવા લાઈટિંગ અને રોશની પર કાપ મૂકવા વિચારી રહ્યા છીએ. આ સાથે જ રાજકોટવાસીઓને દિવાળી કાર્નિવલમાં કંઇક અલગ જ જોવા મળશે. આ વખતે ધનતેરસ તા. 6 નવેમ્બર સાંજે રેસકોર્સ મેદાનમાં ભવ્ય આતશબાજી યોજવામાં આવશે આ સાથે જ દિવાળી કાર્નિવલનો પ્રારંભ પણ થઈ જશે.