સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે તે ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. કોર્ટે અધિકારીઓને આદેશોનો જમીની સ્તરે અમલ કરવા જણાવ્યું.
દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા સંબંધિત મામલાની સુનાવણી જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચે કરી.
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ દિલ્હી સરકાર અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) તરફથી પ્રદૂષણ અટકાવવાનાં પગલાં રજૂ કર્યા.
બેન્ચે કહ્યું, “જમીની સ્તરે અમલ કર્યા વિના આદેશો અને નિર્દેશો આપવાનો કોઈ અર્થ નથી. આવું નહીં થાય તો આ મજાક બની જશે.”
સુપ્રીમ કોર્ટની 3 ટિપ્પણીઓ…
આ મામલો કોઈની વિરુદ્ધ નથી. અધિકારીઓએ ફટાકડાઓને યોગ્ય રીતે નિયંત્રિત કરવા પડશે. અમે દર વર્ષે સંતુલન જાળવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સૌના સહયોગ વિના તે શક્ય નથી.
દર વર્ષે આદેશો આપવાનો કોઈ અર્થ નથી, જો તેનો અમલ થતો ન હોય. આ મુદ્દો દરેક જીવંત પ્રાણી સાથે જોડાયેલો છે. અધિકારીઓએ તેને ગંભીરતાથી લેવો પડશે અને સ્થળ પર જઈને કાર્યવાહી કરવી પડશે.
રમતજગતની અગ્રણી હસ્તીઓ અને અન્ય લોકોની સેવાઓ જનજાગૃતિ માટે શા માટે ન લઈ શકાય? દર વર્ષે આદેશો આપવામાં આવે છે અને મામલો માત્ર કાગળો સુધી જ સીમિત રહી જાય છે.