ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર લો વોલ્ટેજની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દસ હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામના કન્યાશાળા વિસ્તાર, હવેલી રોડ, પાણીના ટાંકા રોડ સહિત અનેક વિસ્તારોમાં રોજિંદા બપોરના તેમજ રાત્રિના સમયે વીજ દબાણ ઘટીને માત્ર 100 વોલ્ટ સુધી પહોંચી જાય છે.
આ સ્થિતિના કારણે પંખા, એસી, એરકુલર, ફ્રિજ, ઈસ્ત્રી, વોશિંગ મશીન સહિત જીવન જરૂરિયાતના અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરતા નથી. ઘણીવાર ઉપકરણો બંધ પડી જાય છે અથવા નુકસાન પામતા હોવાથી ગ્રામજનોને વારંવાર મેન્ટેનન્સનો વધારાનો ખર્ચ પણ ભારે સહન કરવો પડી રહ્યો છે.
કાળઝાળ ગરમીમાં દર્દીઓ, નાના બાળકો અને વૃદ્ધો અકળાઈ ઉઠ્યા છે. પંખા ધીમા ગતિએ ફરે છે અને લાઈટો ટમટમતી રહેતી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગંભીર પ્રશ્નને લઈને સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ વડીયા કચેરીએ નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અગાઉ પણ અનેક વખત મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
ગ્રામ પંચાયતની રજૂઆત મુજબ કન્યાશાળા વિસ્તાર પાસે 200 ક્ષમતાવાળા નવા ટી.સી. મૂકવાની તાત્કાલિક જરૂર છે. ઉપરાંત જુના બસ સ્ટેશન પાસે આવેલા 100 ક્ષમતાવાળા ટી.સી.ને વધારી 200 ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મુકવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે વર્ષો જૂના અને જર્જરિત વીજ વાયર તથા કેબલ પણ બદલવાની માંગ ઉઠી છે.
આ રજૂઆત દરમિયાન સરપંચ કાકુ વાછાણી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય વિપુલ ગોંડલીયા અને ભાવેશ બોરડએ અધિકારીઓ સમક્ષ ગામના પ્રશ્નોને ઝડપથી હલ કરવા માંગ કરી હતી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો લો વોલ્ટેજની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ગામલોકો દ્વારા પીજીવીસીએલ કચેરીએ વિરોધ કાર્યક્રમ યોજી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.