સુરત સિવિલમાં ડો. હર્ષના આપઘાત બાદ ફરી રેગિંગની ઘટના

સુરત સિવિલમાં રેગિંગના કારણે ડો. હર્ષ પંડ્યાના આપઘાતના 25 દિવસમાં જ ફરી રેગિંગની ફરિયાદ ઉઠી છે. સર્જરી વિભાગમાંથી 27 ઓગસ્ટે રેગિંગ બાબતે નનામી અરજી કરવામાં આવી. તપાસ કરતા એક જુનિયર રેસિડેન્ટે અરજી કર્યાનું ખૂલ્યું. એન્ટી રેગિંગ કમિટી સમક્ષ તમામ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા. સરકારી મેડિકલ કોલેજના ડીને કહ્યું- વિદ્યાર્થીને જે તકલીફો હતી તે બાબતે કમિટી સમક્ષ નિરાકરણ થઈ ગયું છે.

નનામી પત્રમાં રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપ મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડો. નિમેશ વર્માએ કહ્યું કે, 27 ઓગસ્ટે તબીબી અધીક્ષકને એક બંધ કવરમાં નનામી અરજી મળી હતી. જેમાં સર્જરી વિભાગના કોઈ રેસિડેન્ટ ડોક્ટર તરફથી એને વિભાગમાં થતાં રેગિંગ અને અન્ય ત્રાસની ફરિયાદો હતી.

જે તે સમયે પ્રશાસનના અધિકારીઓએ આ મામલો ગંભીરતાથી લઈ સાંજે 4 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તપાસ કરી હતી, તેમજ પોલીસ અધિકારી અને મામલતદારની હાજરીમાં રચાયેલી એન્ટી-રેગિંગ કમિટી સમક્ષ વિદ્યાર્થીની તમામ સમસ્યાઓનું નિવારણ લાવી તેને પૂર્ણ સંતોષ થાય તે રીતે કામગીરી કરી હતી. જોકે, આવી ફરિયાદો આ સ્તરે પહોંચે તેના કરતાં વિદ્યાર્થીઓ રોજેરોજ પોતાના શિક્ષકો, વિભાગીય વડા કે જરૂર પડે સંસ્થાના વડાને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરે, તો આવી તકલીફોને શરૂઆતમાં જ ડામી શકાય છે.’

રેગિંગ નથી થયું તેવું રાગડો તાણીને ભીનું સંકેલવાનો પ્રયાસ હંમેશાની જેમ પોતાની ચામડી બચાવવામાં માહેર તંત્રએ લાંબી બેઠકો બાદ રેગિંગ નથી થયું તેવું રાગડો તાણીને કાગળ પર ભીનું સંકેલવાનો હીન પ્રયાસ શરૂ કરી દીધો છે. તંત્રનો દાવો છે કે આ માત્ર ડ્યૂટી ફાળવણીનો પ્રશ્ન છે! પરંતુ સવાલ એ ઊઠે છે કે, જો બધું બરાબર જ છે તો જુનિયર ડોક્ટરને નનામી ચિઠ્ઠી લખવાની નોબત કેમ આવી? શું ડોક્ટરોને એટલો ડર છે કે તેઓ નામ જાહેર કરશે તો તેમનું કરિયર બરબાદ કરી દેવાશે? સિવિલમાં સિનિયરોનો માનસિક ત્રાસ એટલી હદે વકરી ગયો છે કે જુનિયરો ખુલ્લેઆમ બોલતા પણ ફફડી રહ્યા છે. જો ઉચ્ચ કક્ષાએથી આ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક ડૉ. હર્ષ પંડ્યાની લાશ નીકળે તો નવાઈ નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *