રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બે મિત્રોના મોત

રાજકોટ શહેરના બેડીપરા ચોક નજીક મોડી રાત્રે CNG રિક્ષા અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મિત્રોના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં બન્ને યુવાનો રહેતા અને પરાબજારમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતા મિત્રો ઘરેથી ચા પીવા જવાનું કહીં નીકળ્યા બાદ બેડીપરા ચોક નજીક પહોંચતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ચા પીવા જવાનું કહી ઘરેથી એક્ટિવા પર નીકળ્યા મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં રહેતો 18 વર્ષીય દશરથ રાજુભાઈ બજાણીયા અને તેની બાજુમાં જ રહેતો તેનો પરમ મિત્ર 23 વર્ષીય ચંદ્રેશ ધર્મેશભાઈ નિમાવત ગઈકાલે રાત્રે 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ચા પીવા જવાનું કહીને એક્ટિવા પર નીકળ્યા હતા. દરમિયાન બેડીપરા જૂની પોલીસ ચોકી નજીક આવેલી કનૈયા હોટલ સામેથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવતી એક CNG રિક્ષાના ચાલકે તેમના એક્ટિવાને ઠોકરે ચડાવ્યું હતું. રિક્ષાની ભયાનક ટક્કર વાગતા જ બંને મિત્રો વાહન સાથે રોડ પર ફંગોળાઈ ગયા હતા જેના કારણે તેમને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બંનેને હોસ્પિટલ ખસેડાયા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા ગમખ્વાર અકસ્માત પગલે તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ દશરથ અને ચંદ્રેશને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દશરથ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો અને અપરિણીત હતો, જેના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેનો મિત્ર ચંદ્રેશ બે ભાઈઓમાં મોટો હતો અને તેના પિતા નિવૃત્ત જીવન ગાળે છે. બંને મિત્રો પરાબજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં સાથે જ નોકરી કરતા હતા અને સાથે જ ચા પીવા નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *