અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો નવમો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના 30 ફ્યુઅલ ટેન્ક અને 3 તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે.
તે જ સમયે, ઈરાને વળતો પ્રહાર કરતા 5 દેશો પર હુમલા કર્યા. આમાં ઈઝરાયલ ઉપરાંત કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેઓ અમેરિકા અને ઈઝરાયલ સામે છ મહિના સુધી યુદ્ધ લડવા સક્ષમ છે.
IRGCના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ બંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ સાથે સંકળાયેલા લશ્કરી અડ્ડાઓ અને સુવિધાઓ સાથે સંકળાયેલા 200થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.