ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત સોમવારે વહેલી સવારે ઈરાનના સરકારી ટીવી દ્વારા કરવામાં આવી હતી.
આ નિર્ણય ત્યારે આવ્યો છે કે જ્યારે લગભગ બે અઠવાડિયા પહેલાં ઇઝરાયલી હુમલામાં તેમના પિતા અલી ખામેનીના મૃત્યુ બાદ પ્રદેશમાં ચાલી રહેલા યુદ્ધે એક નવો વળાંક લીધો છે.
મુજતબા ખામેનીને લાંબા સમયથી આ પદ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવતા હતા, જોકે તેમણે ક્યારેય કોઈ ઔપચારિક સરકારી પદ સંભાળ્યું નથી.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો દસમો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના 30 ફ્યુઅલ ટેન્ક અને 3 તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે.
તે જ સમયે, ઈરાને વળતો પ્રહાર કરતા 5 દેશો પર હુમલા કર્યા. આમાં ઈઝરાયલ ઉપરાંત કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેઓ અમેરિકા અને ઈઝરાયલ સામે છ મહિના સુધી યુદ્ધ લડવા સક્ષમ છે.
IRGCના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ બંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ સાથે સંકળાયેલા લશ્કરી અડ્ડાઓ અને સુવિધાઓ સાથે સંકળાયેલા 200થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.