પડધરી તાલુકામાં કવિશ્રી દાદ સરકારી કોમર્સ અને આર્ટસ કોલેજમાં ભાજપના ગેરકાયદે સદસ્યતા અભિયાન અને ધારાસભ્ય દેથરિયા દ્વારા વિદ્યાર્થીઓને ધરાર સભ્ય બનાવવાના મામલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરીને જવાબદાર આચાર્યા ડો.નીલાબેન ઠાકરને સાબરકાંઠાના થરાદ તાલુકામાં બદલી કરી છે. સદસ્યતા અભિયાનમાં ટંકારાના ધારાસભ્ય કોલેજમાં કાર્યક્રમ કરી રહ્યા હતા.
પડધરી કે જે ટંકારા મતવિસ્તારમાં આવે છે. ત્યાંની સરકારી કોલેજના પ્રિન્સિપાલ ડો.નીલાબેન ઠાકરે ભાજપના કાર્યકરની ભૂમિકા ભજવી સભ્ય બનાવવા કાર્યક્રમ ગોઠવી દીધો હતો. કોલેજે પહોંચી ભાજપના કાર્યકરો માટે કોલેજનો સ્ટાફ અને કોલેજ માટે ભાજપના કાર્યકર બનીને સમગ્ર ઓપરેશન હાથ ધર્યુ હતું. કોલેજના ઓડિટોરિયમમાં પ્રિન્સિપાલ ઠાકરેએ વિદ્યાર્થીઓ એકઠા કર્યા હતા. જ્યાં દેથરિયાએ ભાષણ આપ્યું હતું. દેથરિયાના માણસોએ વિદ્યાર્થીને ઈચ્છા હોય કે ન હોય, મોબાઈલમાં ધરાર સભ્ય બનાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનું ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.
સેવા અને વર્તણૂક નિયમો 1971 કે જેનું દરેક સરકારી કર્મચારીએ પાલન કરવાનું હોય છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે, સરકારી કર્મચારી કોઇ પક્ષમાં જોડાઈ શકે નહિ, દાન આપી શકે નહિ તેમજ પ્રચાર કરી શકે નહિ. સરકારી પરિસરમાં પક્ષના કાર્યક્રમો પ્રતિબંધિત હોય છે પણ નીલાબેન ઠાકરે આ બધા નિયમો નેવે મૂકી દીધા હતા. ભાસ્કરના આ પર્દાફાશ બાદ શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે, મુખ્ય ભૂમિકા આચાર્યાની જ છે તેથી કાર્યવાહીના પહેલા તબક્કાના ભાગરૂપે તેમની બદલી સાબરકાંઠાના થરાદમાં કરી દેવાઈ છે.