વડોદરાના સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટ આજે સજા સંભળાવશે, ગરબા રમવા ગયેલી કિશોરીને પીંખી નાખી’તી

વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટ આજે સજા સંભળવાશે. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું’તું.

22 મહિના કેસ ચાલ્યા બાદ 20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. આજે (25 ઓગસ્ટે) સજા પર દલીલો કરાયા બાદ કોર્ટ પાંચેય દોષિતોના સજા સંભળાવશે. વકીલોના મતે આરોપીઓને આજીવન કેદથી લઈ ફાંસી સુધીની સજા થઈ શકે છે.

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. આ ગુનાની શરૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી અને ત્યારબાદ બાકીના ત્રણ જણાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ સમયે ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે લૂંટનો દાવો પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઈલને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આ મોબાઈલને શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને તેમની જુબાનીઓ તથા મેડિકલ પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા છે. સંયોગિક પુરાવાના કેસમાં સંજોગોની તમામ કડીઓ યોગ્ય રીતે જોડાવી જરૂરી હોય છે, જે પુરાવા પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળીને કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને સંતોષજનક ગણાવ્યા છે અને તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *