અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને આવતીકાલથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલથી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આજે રાજ્યમાં ગરમી પ્રકોપ યથાવર રહ્યો હતો. અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
અમદાવાદમા છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે.આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ એટલે કે 25 મે દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે.