રાજ્યની 40,000 પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર

રાજ્યનાં વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતાં એના વિરોધમાં પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પ્રી-સ્કૂલેને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે એમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એ શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માગ કરી રહ્યા છે.

રાજ્યની મોટા ભાગની પ્રી-સ્કૂલ મહિલા સંચાલિત છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે. પ્રિ-સ્કૂલ સંચાલકોના એસોસિએશનના ઝોન કન્વીનરોએ બપોર બાદ ગાંધીનગર પણ રજૂઆત માટે પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રી-સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે, એની સામે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ હોવું એ શક્ય નથી, કારણ કે પ્રી-સ્કૂલ એ ખૂબ જ નાનો એકમ છે અને એ માટે 15 વર્ષ માટે કોઈપણ આપી શકે એમ નથી, કારણ કે મોટા ભાગની પ્રી-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે, તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે, પરંતુ 15 વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મળી શકે એમ નથી. ગુજરાત સ્કૂલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સાગર નાયકે વધુમાં જણાવ્યું હતું કે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રી-સ્કૂલ સંચાલકો એકઠા થયા છે અને અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *