ઉપલેટાના વોર્ડ નંબર 7 માં બલરાજ સહાની રોડ પર વિક્રમ ચોકની બાજુમાં આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં આજે વહેલી સવારે વધુ એક ગાય ખાબકી હતી.
સ્થાનિક રહેવાસીઓની સતર્કતાથી શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણ ભોપાળાને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં જેસીબી અને ગૌશાળાની ટીમની મદદથી ગાયનું સફળ રેસ્ક્યુ કરાયું હતું.
આ ઘટનાએ ઉપલેટા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, આ ગટરની કુંડી છેલ્લા દોઢેક વર્ષથી ઢાંકણા વગરની ખુલ્લી હાલતમાં જીવનું જોખમ બનીને ઊભી છે.
તંત્રની આદત બની ગયેલી નિષ્ક્રિયતાના કારણે અગાઉ પણ અહીં અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. માત્ર છેલ્લા બે મહિનાની ટૂંકી અવધિમાં જ આ એક જ ખુલ્લી કુંડીમાં પાંચ અબોલ પશુઓ, એક શ્વાન અને શાળાએ જતું એક નાનું માસૂમ બાળક પણ પડી ગયા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ મોટી અને ઘાતક દુર્ઘટના ઘટે તેની રાહ જોઈને બેઠું હોય તેવું પ્રતીત થાય છે. વિકાસના મોટા દાવા કરતી પાલિકામાં ગટર કુંડીના ઢાંકણા પાછળ લાખો રૂપિયાના બિલ પાસ થઈ જતા હોવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર ભ્રષ્ટાચારના લીધે કામગીરી શૂન્ય દેખાઈ રહી છે.