રાજકોટ SOGએ અફીણના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

રાજકોટ શહેર SOG દ્વારા અફીણના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સણોસરા ગામે રહેતો અને ડ્રાઈવિંગ કામનું ધંધો કરતો શખ્સ વાંકાનેરના શખ્સ પાસેથી દર એક દોઢ મહિને એક સાથે એક કિલો અફીણનો જથ્થો લાવી રાજકોટ અલગ અલગ લોકોને છૂટક 20 ગ્રામની પડીકી બનાવી રૂપિયા 1000માં વેચતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ તેની ધરપકડ કરી રૂ.7.82 લાખનું અફીણ તેમજ ગાડી મળી કુલ રૂ.9.42 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ આજીડેમ પોલીસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી આ ચોથી વખત ખેપ મારી અને અફીણનો જથ્થો લાવ્યા હોવાનું તેમજ પ્રથમ વખત પોલીસના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

ગાડીમાંથી કુલ 1.565 કિલોગ્રામ અફીણ મળી આવ્યું

રાજકોટ શહેર SOG PI એન.બી.ચૌધરી અને PSI વી.વી.ધ્રાંગુ ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, હુડકો ચોકડીથી ખોખળદળ નદીના પુલ તરફ જતા સર્વિસ રોડ પર એક શખ્સ અફીણના જથ્થા સાથે પસાર થવાનો છે જેથી ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી અલ્ટો ગાડીને અટકાવી તેના ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ ઈન્દુભાઈ જીવાભાઈ ભૂંડિયા (ઉ.વ.37) હોવાનું જણાવ્યું હતું જેની કારની તલાસી લેતા તેના કબ્જામાંથી કુલ 1.565 કિલોગ્રામ અફીણ મળી આવતા રૂપિયા 7,82,500 કિંમતનું અફીણ તેમજ અલ્ટો કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9.42 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંકાનેરના ધનશ્યામસિંહ ઉર્ફે ઘોઘાજી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત

પોલીસ તપાસમાં આરોપી આ અફીણનો જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેરના ધનશ્યામસિંહ ઉર્ફે ઘોઘાજી પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે આ ખેપ તેને ચોથી વખત મારી હોવાનું સામે આવ્યું છે. જેમાં તે દર એક દોઢ મહિને એક સાથે એક કિલો જેટલો અફીણનો જથ્થો લાવી બાદ રાજકોટમાં અલગ અલગ લોકોને છૂટક 20 ગ્રામની પડીકી બનાવી રૂપિયા 1000માં વેચતો હોવાની કબૂલાત આપી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો છે જેની આગળની તપાસ આજીડેમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *