રાજકોટ સિવિલમાં સિનિયરે જુનિયર મહિલા ડોક્ટરને ફડાકો ઝીંક્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીએ જુનિયર મહિલા ડોક્ટરને વીડિયો બનાવતા સમયે લાફો ઝીંકી દીધો હતો. સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચે અંદરોઅંદરની બોલાચાલી અને મારામારીના આક્ષેપોને પગલે જુનિયર ડોક્ટરો મોડી રાત્રે હડતાળ પર ઉતરી ગયા હતા.

ડોક્ટરોની માથાકૂટમાં ઈમરજન્સી સેવાઓ ખોરવાતાં ગંભીર હાલતમાં આવેલા દર્દીઓ રામભરોસે મુકાયા હતા. આ સમગ્ર મામલો હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચતાં સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જે કોઈપણ ડોક્ટર્સની બેદરકારી સામે આવશે તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દર્દીની સારવાર બાબતે ત્રિશા શિંગાળા નામના જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી પાસે ગયા હતા. તે સમયે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા તેમની સાથે ઉગ્ર બોલાચાલી, ગાળાગાળી અને મારામારી કરવામાં આવી હોવાનો આરોપ જુનિયર ડોક્ટરોએ લગાવ્યો છે. ગાળાગાળી કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુનિયર ડોક્ટરોનો આક્ષેપ છે કે ડો. રામાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે આવું અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે.

ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ અને વહીવટી તંત્ર પર સવાલો સિનિયર ડોક્ટરના વર્તનથી નારાજ ઈમરજન્સી વોર્ડના જુનિયર ડોક્ટરોએ મોડી રાત્રિના જ કામગીરીથી અળગા રહી હડતાળ શરૂ કરી દીધી હતી, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ બનાવને પગલે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા અને ગેરશિસ્ત સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *