રાજકોટ દુષ્કર્મ કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને હાઇકોર્ટનો ઝટકો

રાજકોટ જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી સામૂહિક જાતીય સતામણીની ઘટનામાં પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર છતી કરવા બદલ કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સામે નોંધાયેલી FIR રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયામાં બાળકીનો ચહેરો બ્લર કરવામાં આવ્યો હોવા છતાં બેકગ્રાઉન્ડના દ્રશ્યો અને પરિવારજનોની તસવીરોથી પીડિતાની ઓળખ જાહેર થતી હોવાથી પ્રથમ દર્શનીય કેસ બને છે, જેથી આ મામલે સંપૂર્ણ ટ્રાયલ ચલાવવી જરૂરી છે.

પીડિતાના ઘરે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો પ્રગતિ આહીરની અરજી મુજબ, રાજકોટમાં 6 વર્ષની બાળકી પર 13 જેટલા શખ્સો દ્વારા થયેલા કથિત દુષ્કર્મ મામલે પરિવારને કાનૂની માર્ગદર્શન અને મદદ પૂરી પાડવા તેઓ સહકર્મીઓ સાથે પીડિતાના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના ફેસબુક પ્રોફાઇલ પર લખાણ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ અને શોર્ટ વીડિયો ક્લિપ્સ અપલોડ કર્યા હતા. આ પોસ્ટ બાદ આટકોટ પોલીસે BNS તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પબ્લિસિટી માટે ઓળખ જાહેર કર્યાનો પોલીસનો ગંભીર આક્ષેપ પોલીસ ફરિયાદ અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટમાં ચહેરો બ્લર કરાયો હોવા છતાં વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાળકીનો રહેણાંક વિસ્તાર, આસપાસનો ચોક્કસ નજારો અને પરિવારના સભ્યોની તસવીરો સ્પષ્ટ દેખાતી હતી. આના કારણે બાળકી અને તેના સંબંધીઓની ઓળખ સરળતાથી થઈ શકે તેમ હોવાથી માત્ર પબ્લિસિટી મેળવવાના ઇરાદે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સરકારી વકીલે પણ દલીલ કરી હતી કે રહેઠાણ અને પરિવારના ફોટા મૂકવાથી પીડિતા સામે બદલાની કાર્યવાહીનું જોખમ ઊભું થાય છે અને તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

પોક્સો એક્ટની જોગવાઈઓ અને બચાવ પક્ષની દલીલો પ્રગતિ આહીરે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે પોસ્ટમાં બાળકીનું નામ, શાળા કે સરનામું જાહેર કરાયું નહોતું અને ચહેરો બ્લર કરવો એ તેમનો શુદ્ધ ઇરાદો દર્શાવે છે. તેમણે બંધારણીય સ્વતંત્રતાના હક્કનો હવાલો આપી દલીલ કરી હતી કે માત્ર આસપાસનો વિસ્તાર દેખાવાથી સીધી કે આડકતરી રીતે ઓળખ છતી થતી નથી. વધુમાં, પોક્સો એક્ટની કલમ 23 હેઠળના ગુનામાં 1 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોવાથી FIR રદ્દ કરવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *