રાજકોટ શહેર અને ગ્રામ્યના મંજૂર થયેલા મહેકમ મુજબ વિભાજન કરી અલગ-અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાળવવા તેમજ વિભાજન ન થાય ત્યાં સુધી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા રાજકોટ શહેર – જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
સંકલન સમિતિના આગેવાનો ડૉ. પ્રિયવદન કોરાટ, દિનેશ ભુવા સહિતનાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર વિસ્તારમાં શિક્ષણનું પાટનગર તરીકે ઓળખાય છે, સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અહિયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાએ આવે છે. હાલમાં કાર્યરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ સરકારી માધ્યમિક શાળા, ગ્રાન્ટેડ મા.અને ઉ. મા. શાળાઓ, સ્વનિર્ભર શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, ખાસ સંસ્થા તેમજ જેતપુર અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ સહિતની 1500 જેટલી શાળાઓ કાર્યરત છે જેને ધ્યાને રાખી ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય અલગ-અલગ કચેરી શરૂ કરવા મહેકમ મંજૂર થયેલું છે, પરંતુ આજ સુધી તે બાબત અમલમાં આવી નથી.