રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મળ્યો!

રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મળ્યાની માહિતી મળતા એસઓજી સહિતની ટીમો એરપોર્ટ ખાતે દોડી ગઈ હતી. જે બાદ બોમ્બ સ્કવોડની ટીમે અહીં પાર્કિંગ એરિયામાં રહેલો બોમ્બ ડિફયુઝ કરી નાખ્યો હતો. જોકે બાદમાં આ સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા માટે મોકડ્રિલ હોવાનું જાહેર કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે 27 મેના સવારના સમયે હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાર્કિંગમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપર વિઝન હેઠળ એસઓજી પીઆઇ એન.બી.ચૌધરી તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, બોમ્બ સ્કોવડની ટીમ એરપોર્ટ પર દોડી ગઈ હતી. અહીં સીઆઇએસએફની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

એરપોર્ટ પર પોલીસ કાફલો પહોંચી જતા હવાઈ મુસાફરોમાં ચિંતા વધી ગઈ હતી. જોકે આ દરમિયાન બોમ્બ સ્કોવડની ટીમ દ્વારા એરપોર્ટ પરિસરમાં સર્ચ કરાયુ હતુ. જે દરમિયાન પાર્કિંગ એરિયામાંથી બોમ્બ મળી આવતા આ બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. બાદમાં સુરક્ષાની ચકાસણી માટે મોકડ્રિલ યોજવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતા એરપોર્ટ તંત્ર અને હવાઈ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *