રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીમાં જળકુંભી એટલે કે ગાંડીવેલ વનસ્પતિનો વ્યાપક અને ચિંતાજનક ઉપદ્રવ નોંધાયો છે. નદીના સ્થિર પાણીમાં આ વનસ્પતિ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હોવાના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા રોગચાળાના ભય અંગે કરાયેલી વારંવારની રજૂઆતો બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. નદીને આ હાનિકારક વનસ્પતિથી મુક્ત કરવા માટે મનપાની મેલેરિયા શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સંયુક્ત રીતે સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ચોમાસા પૂર્વે મચ્છરોની વંશવૃદ્ધિ રોકવા તંત્ર સફાળું જાગ્યું સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પાણીનો નવો પ્રવાહ આવે ત્યારે પૂરના કારણે આ તમામ ગાંડીવેલ કુદરતી રીતે જ વહી જતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસા પૂર્વે જ નદીના અમુક ચોક્કસ ભાગોમાં જળકુંભીનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે, જેને કારણે મચ્છરોને ઈંડા મૂકવા અને વંશવૃદ્ધિ કરવા માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું છે. આ પરિસ્થિતિ વણસે તે પહેલાં જ તંત્રએ જંતુનાશક દવાઓનો છંટકાવ અને સફાઈનું વિશેષ અભિયાન આદર્યું છે.
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, ખાસ કરીને બેડી માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલી આજી નદીના પટમાં જળકુંભીનો ઉપદ્રવ ખૂબ જ ભયજનક છે. નદીનો આ આખો વિસ્તાર ગાંડીવેલથી ઢંકાઈ ગયો હોવાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વિશાળ જેસીબી (JCB) મશીનો નદી કિનારે ઉતારવામાં આવ્યા છે, જેના દ્વારા નદીના ઊંડા ભાગોમાંથી આ વેલને બહાર કાઢી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.