રાજકોટ સહિત રાજયભરમાં ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 2236 બીએલઓ આ કામગીરીમાં જોડાયા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર છે. ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમ્યાન બીએલઓ દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી, મતદાન મથકોનું પુન: ગઠન, મતદાર યાદીમાં વિસંગતતાઓ દુર કરવી, ફોટોગ્રાફની ગુણવત્તામાં સુધારો સહિતની સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ સહિતની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત મતદાર યાદી સુધારણામાં હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. ઉપરાંત મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને મતદાર યાદીનો ડેટાબેઝ અદ્યતન કરવામા આવશે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ તા. 6 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી બાદ ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-2025ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ શરૂ કરી દેવાતા રાજકોટ શહેર જિલ્લામાં 2236 જેટલા બીએલઓ ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી કરવા લાગ્યા છે.