રાજકોટ શહેરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બે સગાભાઈના મોત થતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. રાજકોટના ગોપાલ ચોક નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર 2માં કૌટુંબિક મિલકતમાં ભાગ માંગતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ તેના બે કાકાને છરીના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે સામ પક્ષે આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ યુનિવર્સીટી પોલીસે બન્ને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બન્ને પક્ષોની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સમજાવવા નજીક જતાં છરીનો ઘા ઝીંક્યો પહેલી ફરિયાદમાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકીયાએ જણાવ્યું છે કે, 19 જુલાઈને રાત્રે 1 વાગ્યા આસપાસ હું તથા મારા પિતા ઘરે હતા, ત્યારે મારા કાકા રાજેશભાઈનો ફોન આવ્યો અને જણાવ્યું કે, હાર્દીક મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો. હું અને મારા પિતા કાકાના ઘરે જતા ત્યાં હનુભાઈ નાજાભાઈ ધોળકીયા તથા શિવાભાઈ નથુભાઈ ડોંડા હાજર હતા અને હાર્દિક સામે ઉભો રહી ગાળો બોલતો હતો.
હનુકાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયા તો હાર્દિક વધારે ઉશ્કેરાઈ જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. હું તથા મારા પિતા અને કાકા એમ ત્રણેય હાર્દિકને ગાળો ન બોલવા અને માથાકુટ ન કરવા સમજાવવા જતા હાર્દિકે કહ્યું કે, અમારો ભાગ કેમ આપતા નથી? કહી હાર્દિકે તેના પડખામાંથી છરી કાઢી મારા પિતા સુરેશભાઈના છાતીના ભાગે એક જીવલેણ ઘા મારતા મારા પિતા ત્યાં જ પડી ગયા હતા.