રાજકોટમાં ત્રણ દિવસમાં 8 આરોપી પાસેથી 21 હથિયાર કબજે

રાજકોટ શહેર PCBએ છેલ્લા ત્રણ દિવસમાં કૂલ 8 આરોપીઓને 21 હથિયાર અને 32 કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતા મધ્યપ્રદેશના સકીલ સાદિક મન્સૂરી સહિત 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે 13 જૂલાઈના ઝડપી પાડી રિમાન્ડ દરમિયાન 14 જુલાઈના યુટ્યુબરને બે ગરેકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.

આજે 15 જુલાઈના વધુ બે આરોપીને ત્રણ દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મોજશોખ માટે હથિયાર રાખતા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ઝડપાયેલા યુટ્યુબર સંદિપસિંહ પરમાર લોકડાયરામાં કમરે બંદૂક ટીંગાડી કલાકર ઉપર રૂપિયા ઉડાવતો વીડિયો પણ સામે આવ્યો છે.

રાજકોટ PCB પીઆઇ મેહુલ ગોંડલિયાના જણાવ્યા મુજબ રાજકોટ PCBએ સોમવારના રોજ 5 આરોપીઓને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યા બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા ગઈકાલે બે ગેરકાયદે હથિયાર સાથે સંદિપસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ વધુ બે આરોપી આરીફ પઠાણ અને જયપાલ ડેડાણીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આરીફ પઠાણ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કાર્ટીસ અને જયપાલ ડેડાણીયા પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ મળી કુલ રૂ.30,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સકીલ મન્સૂરી પાસેથી જયપાલે બે હથિયાર ખરીદ્યા હતા તેમને વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી સકીલ સાદિક મન્સૂરી પાસેથી આરોપી જયપાલ ડેડાણીયા બન્ને વખત વડોદરા ખાતે જઇ હથિયાર લાવ્યો હતો જેમાં દોઢ વર્ષ પહેલા એક હથિયાર રૂ.38,000માં અને બીજું હથિયાર એક વર્ષ પહેલા રૂ.40,000માં ખરીદ કર્યું છે. જ્યારે આરોપી આરીફ પઠાણએ ગેરકાયદે હથિયાર આશરે 8 મહિના પહેલા આરોપી પ્રદીપ કરપડા પાસેથી રૂપિયા 50,000માં ખરીદ કર્યાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછ કરતા એ પણ જાણવા મળ્યું છે કે આરોપી પ્રદીપ કરપડા દર્શન પાસેથી અને દર્શન મુખ્ય આરોપી સકીલ મન્સૂરી પાસેથી ખરીદ કરતો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *