રાજકોટમાં એર શો પૂર્વે સૂર્યકિરણ ટીમનું રિહર્સલ

રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો અને 7 ડિસેમ્બર, રવિવારના મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે.

આજે થયેલા મીની રિહર્સલે સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્ય શો કેટલો અદ્ભુત હશે. 6 હોક વિમાનોએ એકસાથે ઉડાન ભરીને વિવિધ ફોર્મેશનની પ્રેક્ટિસ કરી, જેમાં તેમની ટીમ સ્પિરિટ અને પાયલટ્સની અસાધારણ કુશળતાનો પરિચય થયો હતો. આ પ્રારંભિક પ્રેક્ટિસનો હેતુ 7 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમ માટે વાતાવરણ અને એરોબેટિક્સની ચોકસાઈ ચકાસવાનો હતો, જે સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. રિહર્સલે અટલ સરોવર અને આસપાસના વિસ્તારમાં એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો હતો.

7 તારીખે અટલ સરોવર ખાતે એર શોનું આયોજન મુખ્ય કાર્યક્રમમાં સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં જોવા મળશે. આ પાયલટ્સ દ્વારા 40 મિનિટ સુધી સતત હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ વિમાનો 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. દર્શકોને એર શોમાં વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સની ખાસ ઝલક જોવા મળશે, જે ભારતીય વાયુસેનાની તાકાતનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *